નવગુજરાત સમય, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં સવારે ઘેરા સસ્પેન્સ અને લાંબી મસલતોના અંતે મેયર પદ માટે ડો. નેહલ શુકલ અને ડેપ્યુટી મેયર પદ માટે દક્ષાબેન વસાણીની વરણી કરાઇ હતી. ભાવનગર મહાનગરપાલિકા મેયર પદે ઉષાબેન તલરેજા અને ડે.મેયર પદે અશોકભાઇ બારૈયાની વરણી કરાઇ હતી જ્યારે સુરેન્દ્રનગર પાલિકામાંથી મહાનગરપાલિકા જાહેર થયા બાદ યોજાયેલી પ્રથમ મનપાની ચૂંટણીમાં મેયર પદે રાકેશભાઇ રાઠોડ અને ડે.મેયર પદે સ્મિતાબેન રાવલની વરણી કરાઇ હતી.
રાજકોટ મનપા :રાજકોટમાં આજે સવારે ઇન્ચાર્જ કમિશનર અને પ્રિસાઇડીંગ ઓફિસર આનંદુ સુરેશ ગોવિંદના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભા મળી હતી, મેયર પદ માટે ડો. નેહલ શુકલ અને ડેપ્યુટી મેયર પદ માટે દક્ષાબેન વસાણી સામે અન્ય કોઈએ ફોર્મ ભર્યું ન હતું, તેમજ વિરોધ પક્ષે પણ ચૂંટણીમાં ભાગ લીધો ન હતો. જેથી બંને પદાધિકારીઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોર્ડમાં સ્થાયી સમિતિના ૧૨ સભ્યોની પણ નિમણૂંક કરવામાં આવી હતી, જેમાંથી પ્રથમ મીટિંગમાં પરેશ આર. પીપળીયાને ચેરમેન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ સાથે શાસક પક્ષના નેતા તરીકે ડો. હિરેન ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી છે.
શહેરના ૨૩માં મેયર તરીકે પદગ્રહણ કરતાની સાથે જ ડો. નેહલ શુકલ એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને વડાપ્રધાનની કરકસરની અપીલનો તત્કાલ અમલ કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં પેટ્રોલ-ડિઝલ સહિતના ઇંધણ ખર્ચમાં ૭૦ ટકા સુધીની બચત કઈ રીતે થઈ શકે તે ચકાસવા અધિકારીઓને જણાવી દીધું છે અને આ અંગે વહીવટી પાંખ સાથે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ચાલી રહેલા કામો અને નવી યોજનાઓ અંગે તાત્કાલીક સ્ટેટસ રિપોર્ટ મંગાવવામાં આવશે તેમજ નવા બનેલા સાંઢીયા પુલ બ્રિજનું લોકાર્પણ કેટલું જલ્દી થઈ શકે તે અંગે કાર્યવાહી કરાશે.
ભાવનગર મનપા: ભાવનગરમાં આ બેઠકની શરૂઆત ઇન્ચાર્જ કમિશનર ડો. મનીષ બંસલની અધ્યક્ષતામાં થઈ હતી. સભાની શરૂઆત થતાં જ મેયર પદ માટે બે સભ્યોના નામની દરખાસ્ત સામે આવી હતી, જેમાં ભાજપ તરફથી ઉષાબેન તલરેજા અને કોંગ્રેસ તરફથી જશુબેન બારૈયા મેદાનમાં હતા. આ પદ માટે સર્વાનુમતી ન સધાતા બંને દાવેદારો વચ્ચે સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ઉષાબેન તલરેજાને ૪૪ મત અને કોંગ્રેસના જશુબેન બારૈયાને ૮ મત મળ્યા હતા. ભારે બહુમતી સાથે વિજેતા બનતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઉષાબેન તલરેજાની ભાવનગરના નવા મેયર તરીકે સત્તાવાર નિમણૂંક કરવામાં આવી હતી.નવા મહિલા મેયરના અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી મેયર પદ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપના અશોક બારૈયા અને કોંગ્રેસના કિશન મેર વચ્ચે દાવેદારી થઈ હતી. ભાજપના સભ્યની ૪૩ મતોની સ્પષ્ટ બહુમતી સાથે અશોક બારૈયાની ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકાની અન્ય મહત્વની કમિટીઓ અને પદો પર પણ નિમણૂંક જાહેર કરાઈ હતી, જેમાં શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળા તથા દંડક તરીકે રીંકુબેન માંગુકિયાની વરણી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર મનપા:સુરેન્દ્રનગર મનપાના પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન તરીકે નીખિલ ચાંપાનેરી, દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા અને પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણીયાના નામો જાહેર કરાયા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર બનેલા રાકેશભાઈ રાઠોડ આ પ્રસંગે માતાને ભેટીને રડી પડ્યા હતા અને પોતાના મૃતક નાના ભાઈ મૃગેશભાઈ રાઠોડને યાદ કરી ભાવુક થયા હતા. નવનિયુક્ત મેયર રાકેશ રાઠોડે જણાવ્યું હતું કે, પ્રથમ મેયર બન્યા બાદ હાલ પૂરતું પ્રથમ લક્ષ્ય રોડ અને રસ્તાના સ્ટ્રક્ચર જેવી પ્રાથમિક સુવિધાઓ સુધારવાનું છે. આ સિવાય પીવાનું પાણી હજી ઘણા વિસ્તારમાં પહોંચતું નથી અને ગંદા પાણીના પ્રશ્નો છે, તેમજ ડ્રેનેજના પણ પ્રશ્નો છે, જે ઉકેલવાના રહેશે.

