નવગુજરાત સમય , અમદાવાદ
રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, ગરિમા, ગોપનિયતાને લઇને શિક્ષણ વિભાગે એક મહત્ત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. 'ઈન લોકો પેરેન્ટિસ'(વાલી સમાન જવાબદારી)ના સિદ્ધાંતને અનુસરીને જાહેર કરાયેલા આ નવા નિયમો-આદેશ અનુસાર કોઈપણ બાહ્ય કે બિનઅધિકૃત વ્યક્તિએ શાળા પરિસરમાં પ્રવેશ મેળવવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.
જોકે, સરકારી ફરજ પર સત્તાવાર રીતે અધિકૃત અધિકારીઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. શાળામાં આવતા દરેક મુલાકાતીએ પ્રવેશદ્વાર પર જ મુલાકાતી રજિસ્ટરમાં પોતાની તમામ વિગતો અચૂક નોંધાવવાની રહેશે. આ ઉપરાંત, વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન કે શૌચાલય જેવા સંવેદનશીલ વિસ્તારોમાં બાહ્ય વ્યક્તિઓ માત્ર આચાર્ય કે અધિકૃત શિક્ષકની પૂર્વ મંજૂરી અને ઉપસ્થિતિમાં જ પ્રવેશ કરી શકશે.
વિદ્યાર્થીઓની વ્યક્તિગત ગોપનિયતા અને સુરક્ષાને ભંગ કરતી પ્રવૃત્તિઓ પર પણ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા શાળાકીય પ્રવૃત્તિઓની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઈન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ કે લાઈવ સ્ટ્રીમિંગ કરી શકશે નહીં. શાળા સત્તાધિકારીઓએ પણ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે વિદ્યાર્થીઓની કોઈ એવી વ્યક્તિગત માહિતી કે તસવીરો પ્રસારિત ન થાય કે જેનાથી તેમની ગરિમા કે સુરક્ષા જોખમમાં મૂકાય. જો કોઈ શંકાસ્પદ કે અજાણી વ્યક્તિ પરવાનગી વગર શાળામાં પ્રવેશ કરશે કે શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે તો આચાર્યએ તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે. શૈક્ષણિક વાતાવરણને નુકસાન પહોંચાડતા મુલાકાતીઓને પ્રવેશ આપવાનો સીધો ઈનકાર કરવાનો અધિકાર પણ આચાર્યને આપવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023, પોક્સો (POCSO) એક્ટ, કિશોર ન્યાય અધિનિયમ અને આઈટી એક્ટ સહિતના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

