Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રોડની સાઇડમાં પગપાળા કોલેજ જતી વિદ્યાર્થિનીને ક્રેને કચડી નાખી

રોડની સાઇડમાં પગપાળા કોલેજ જતી વિદ્યાર્થિનીને ક્રેને કચડી નાખી

નવગુજરાત સમય , અમદાવાદ

ગોતામાં આવેલી સિલ્વર ઓક કોલેજ પાસે વિદ્યાર્થિનીનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. વિદ્યાર્થિની સવારે 11 વાગ્યે ઘરેથી નીકળીને એસજી હાઇવે પહોંચી હતી. હાઇવેથી તે પગપાળા કોલેજ જઇ રહી હતી ત્યારે પાછળથી આવેલા ક્રેનના ચાલકે તેને ટક્કર મારતા તે રોડ પર પટકાઇ હતી. દરમિયાનમાં ચાલકે તેને ક્રેન નીચે કચડી નાખતા તેનું મોત નિપજ્યું હતું.

લોકોને જોઇને ચાલક ક્રેન મૂકીને નાસી ગયો હતો, જોકે પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.

મૂળ દાહોદની 19 વર્ષીય પ્રેરણા નીનામા ત્રાગડ ગામમાં આવેલા પટેલ વાસમાં પરિવાર સાથે રહેતી હતી. પ્રેરણા ગોતા ખાતે આવેલી સિલ્વર ઓક કોલેજમાં બીએસસીના બાયો ટેક્નોલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. મંગળવારે સવારે તે 11 વાગ્યે કોલેજ જવા ઘરેથી નીકળી હતી. કોઇ વાહન મારફતે તે ઘરેથી એસજી હાઇવે પર પહોંચી હતી.

બાદમાં રોડની સાઇડમાં ચાલતી કોલેજ તરફ જઇ રહી હતી. ત્યારે એસજી હાઇવે તરફથી આવતી ક્રેને તેને ટક્કર મારતા તે રોડ પર પટકાઇ હતી. ક્રેનના ચાલકે કચડી નાખતા પ્રેરણાનું કરુણ મોત નિપજ્યું હતું. અહીં હાજર લોકોને જોઇને ચાલક ત્યાં જ ક્રેન મૂકીને દોડીને નાસી ગયો હતો. આ મામલે પોલીસને જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસે નજીકમાંથી જ આરોપી અરુણ નિષાદ (ઉ.26, રહે. પોર રોડ-અડાલજ)ને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.

બોપલ વીઆઇપી રોડ પર અકસ્માતમાં એકનું મોત

રાજસ્થાનનો 40 વર્ષીય ધર્માલાલ મીણા બોપલ વીઆઇપી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે ટેમ્પોની અડફેટે આવી જતા તેનું મોત નિપજ્યું હતું. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સૂરધારા સર્કલ પાસે સાયકલિસ્ટનું મોત

નારણપુરામાં રહેતા 50 વર્ષીય કિંજલકુમાર શાહ બહેરામપુરામાં કાપડની મીલ ચલાવતા હતા. સોમવારે પરોઢિયે તે સાયકલિંગ કરવા નીકળ્યા હતા. સૂરધારા સર્કલથી એસજી હાઇવે તરફ જતા વડલાવાળા સર્કલ પાસે પહોંચ્યા ત્યારે રોંગ સાઇડમાં આવેલા બાઇકના ચાલકે ટક્કર મારતા તે રોડ પર પટકાયા હતા. કિંજલકુમારને સારવાર અર્થે ખસેડાયા બાદ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે આરોપી શિવમસિંહ પરિહાર (રહે. સાંતેજ) ને ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay