Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સરગાસણની બહુમાળી બિલ્ડિંગના 13મા માળે ભીષણ આગ

સરગાસણની બહુમાળી બિલ્ડિંગના 13મા માળે ભીષણ આગ

નવગુજરાત સમય , ગાંધીનગર

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી હાઈરાઈઝ શ્રીપડ આયન્સ રેસિડેન્સી બિલ્ડિંગના 13મા માળે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ પાડોશીના ફ્લેટ સુધી પ્રસરી ગઇ હતી. બુધવારે સાંજના સમયે લાગેલી ભીષણ આગને પગલે ભારે અફરાતફરી મચી હતી. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા રહેવાસીઓના જીવ પડીકે બંધાયા હતા.

દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેરી વળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ બુધવારે સાંજે ઇન્દ્રજીતસિંહ નામના વ્યક્તિએ ફાયર વિભાગને જાણ કરી હતી કે શ્રીપડ આયન્સ રેસિડેન્સીમાં આગ લાગી છે. તેવો કોલ મળતાની સાથે માત્ર બે મિનિટના સમયમાં સેક્ટર 17 ફાયર સ્ટેશન અને સરગાસણ ફાયર સ્ટેશનની ગાડીઓ લાશ્કરોના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જણાઇ આવ્યુ હતું કે, રસોડામાં કોઈ ખાદ્ય સામગ્રી તળવા મૂકી હતી. જેનું ધ્યાન રાખવાનું મહિલા સહિતના પરિવારજનો ચૂકી ગયા હતા. બંધ બારી દરવાજાને કારણે ગરમી અને ધુમાડો અંદર જ કેદ થઈ ગયો હતો. જેની વચ્ચે થયેલા શોર્ટ સર્કિટને કારણે રસોડામાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આજુબાજુના રૂમમાં પણ પ્રસરી હતી.

સદનસીબે આ દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલ તો બિલ્ડિંગમાં રહેતા અન્ય ફ્લેટધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. અગમચેતીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી તમામ રહીશોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. આ આગના પગલે ઘટનાસ્થળે ટોળાં એકત્ર થતાં લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ફાયરબ્રિગેડના લાશ્કરોએ સતત પાણીનો મારો ચાલુ રાખી આગને સંપૂર્ણપણે ઓલવવા અને ઠારવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાથી અને વધુ પડતા ધુમાડાને કારણે ફાયરના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એક તબક્કે આગ પર કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ થોડી વારમાં આગ ફરી ભભૂકી ઉઠતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.

​​​​​​​​​​​​​​

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay