નવગુજરાત સમય , અમદાવાદ
શહેરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે અને અન્ય જિલ્લા-શહેરોની જેમ ભારે વરસાદની આશા હજુ પરિપૂર્ણ થઇ નથી, પરંતુ શનિવારે હળવા ઝાપટા ચાલુ રહેતાં એક જગ્યાએ પાણી ભરાયાની અને એક જગ્યાએ રોડ બેસી ગયાની સત્તાવાર ફરિયાદ નોંધાવા પામી છે.
શહેરમાં જૂન મહિનામાં વરસાદ પડ્યો ત્યારબાદ મેઘરાજાએ લાંબો વિરામ પાળ્યો હતો અને ત્રીજા તારીખથી ફરી વરસાદ શરૂ થયો, પરંતુ તેમાંય ગોતા વિસ્તારમાં જ અડધા પોણા ઇંચ જેટલો વરસાદ પડી જતાં ગોતાનાં મોટાભાગનાં રોડ જળબંબાકાર થઇ ગયાં હતા.
મેઘરાજાએ ત્રીજી જુલાઇની રાત્રે પણ ગાજવીજ સાથે વરસાદ વરસાવ્યો હતો. તેમાં સૌથી વધુ વરસાદ સરદારનગર, મેમ્કો, ચાંદખેડા, કોતરપુર, વિરાટનગર, નરોડા વિસ્તારમાં નોંધાયો હતો.જ્યારે શનિવારે ચોથી જુલાઇનાં રોજ પણ મેઘરાજાએ સવારથી વાદળછાયા વાતાવરણની સાથે હળવા ઝાપટા વરસાવવાનુ ચાલુ રાખ્યુ હતું. જોકે સમગ્ર શહેરમાં ફક્ત ઉત્તર ઝોનમાં જ અડધા ઇંચથી થોડો ઓછો વરસાદ નોંધાયો હતો અને અન્ય ઝોનમાં નજીવો વરસાદ પડ્યો હતો.વરસાદ સામાન્ય હોવાથી શહેરમાં કોઇ ખાસ અસર વર્તાઇ નહોતી અને તમામ રોડ-અંડરપાસ યથાવત ચાલુ રહેવા પામ્યા છે. ભારે વરસાદ નહિ પડવાનાં કારણે વાસણા બરાજમાં સાબરમતી નદીનાં પાણી ભરી રાખવામાં આવતાં ૧૩૨.૭૫ ફૂટની સપાટી જળવાયેલી છે અને તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે.
જોકે શહેરમાં સામાન્ય હળવા ઝાપટા છતાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પાણી ભરાયાની એક ફરિયાદ નોંધાવા પામી હતી અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં રોડ બેસી ગયાની એક ફરિયાદ મળવા પામી છે.અમદાવાદ શહેર અને ગાંધીનગર વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને પગલે મ્યુનિ.એ તો ડિસિલ્ટીંગ મંડળીઓનાં કામદારોને સજ્જ રાખવા ઇજનેર ખાતાને સૂચના આપી દીધી છે. તદઉપરાંત પાણી ઉલેચવા માટે વરૂણપંપ વગેરે નાનામોટા પંપ પણ તૈયાર રાખ્યા છે. તેમજ શહેરમાં કુલ ૧૦૯૫ જેટલાં સીસીટીવી અને અંડરપાસનાં ૪૪ કેમેરા મળી કુલ ૧૧૩૯ કેમેરાથી જુદા જુદા રોડ અને જંકશન ખાતે વરસાદી પાણી ભરાવા કે ખાડા પડવા વગેરે સમસ્યા ઉપર નજર રાખવામાં આવી રહી છે.શહેરમાં ચોમાસા પહેલાં પડેલાં ખાડા પૂરવાની કામગીરી પણ યુધ્ધનાં ધોરણે ચાલુ રાખવામાં આવી છે અને પૂર્વમાં ૩૭, ઉત્તરમાં ચાર, દક્ષિણમાં પાંચ, પશ્ચિમમાં ૧૨, ઉત્તર પશ્ચિમમાં ૧૬ તથા દક્ષિણ પશ્ચિમમાં ૧૧ ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે.

