નવગુજરાત સમય, ઊંઝા
સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી રૂ. 2 કરોડની મસમોટી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને મહેસાણાના ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઉનાવા પોલીસે ઝડપીને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
ગત 30 મે 2026ના રોજ સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. જેમાં સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી 'આકાશ જ્ઞાનેશ્વર તથા પટેલ મુકેશકુમાર એન્ડ કંપની' આંગડિયા પેઢીના વહીવટકર્તાઓએ ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી.
આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ રૂ. 2 કરોડ આંગડિયા પેઢીમાં જમા કરાવવા જણાવ્યું હતું અને તેના બદલામાં લીટેરા ઝી સ્કૂલ ડાયમંડ સિટી ટ્રસ્ટમાં રૂ. 4 કરોડ RTGSથી મોકલી આપવાની લાલચ આપી હતી. જોકે, ફરિયાદીના 2 કરોડ રૂપિયા પડાવી લઈને આરોપીઓએ કોઈ RTGS ન કરી વિશ્વાસઘાત કર્યો હતો.આ ગુનાના આરોપીઓ ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયા હોવાની બાતમી ઉનાવા પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડના હે.કો.
ભગવાનભાઈ અને પો. કો. ધવલકુમારને મળી હતી. જેના આધારે PSI એસ.વી.
પઢારીયાના સુપરવિઝન હેઠળ પોલીસે આ શંકાસ્પદ સ્થળે દરોડો પાડી તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી બંને મુખ્ય આરોપીઓ પટેલ જયેશકુમાર હરગોવિંદભાઈ (મૂળ રહે. કરણપુર કરલી, તા. ઊંઝા,હાલ રહે. સુરત શહેર), શર્મા જીતેન્દ્ર મીતાનંદ (રહે. અલથાણ, સુરત શહેર)ને ઝડપી પાડ્યા હતા.

