Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતમાં ખાડી પૂરનું સંકટ  :   અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા

સુરતમાં ખાડી પૂરનું સંકટ : અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા

નવગુજરાત સમય, સુરત

સુરત જિલ્લા તથા શહેરમાં વરસી રહેલા અવિરત વરસાદની સાથે ઉપરવાસમાંથી પાણીની પ્રચંડ આવક થતાં સુરત પર હવે ખાડી પૂરનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. સુરતમાંથી પસાર થતી સ્થાનિક ખાડીઓના જળસ્તરમાં સાંજના સમયે વિસ્ફોટક વધારો નોંધાયો છે, જેને પગલે ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. ખાડીના બેકવોટર (પાછા મારેલા પાણી) શહેરી વિસ્તારોમાં ઘૂસી જતાં પૂણા પાટિયા, સીમાડા, ભાઠેના અને ભેદવાડના રહેણાંક વિસ્તારો તેમજ રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે.

ખાડીઓ ભયજનક સપાટી વટાવી જતાં શહેરના આંતરિક ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનના પાણીનો નિકાલ તદ્દન ઠપ્પ થઈ ગયો છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા સુરતના મેયરે પૂરગ્રસ્ત વિસ્તારોની ગ્રાઉન્ડ ઝીરો પર મુલાકાત લીધી હતી અને રાહત કામગીરીનું જાત-નિરીક્ષણ કર્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં મેયરે જણાવ્યું હતું કે, 'પૂણા પાટિયા સહિતની સોસાયટીઓમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ એ છે કે ખાડીનું જળસ્તર વધીને ૮.૨૦ મીટરથી ઉપર પહોંચી ગયું છે. ખાડીઓ છલોછલ હોવાને કારણે લોકલ લાઇનમાંથી વરસાદી પાણીનો નિકાલ ધીમો પડ્યો છે.' જોકે, તેમણે આશ્વાસન આપતાં ઉમેર્યું હતું કે જો ઉપરવાસમાં અને શહેરમાં વરસાદનું જોર ઘટશે, તો સાંજ સુધીમાં પૂરના પાણી ઓસરી જશે અને સ્થિતિ નિયંત્રણમાં આવી જશે.

ખાડી કિનારે આવેલી ઝૂંપડપટ્ટીઓ અને નીચાણવાળી સોસાયટીઓમાં પાલિકા દ્વારા માઇક એનાઉન્સમેન્ટ કરીને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. NDRF અને SDRF ની ટીમ પૂરગ્રસ્ત ખાડી વિસ્તારોમાં બોટ સાથે તૈનાત રાખવામાં આવી છે જેથી કોઈ પણ આપત્તિના સમયે તાત્કાલિક સ્થળાંતર કરી શકાય. વહીવટી તંત્રએ લોકોને વહેતી થતી અફવાઓ પર ધ્યાન ન આપવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા તાકીદ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay