નવગુજરાત સમય, રાજકોટ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતેથી રાજકોટ રેન્જ આઈ.જી.ની એક્શન મોડમાં આવેલી ટીમે સોશિયલ મીડિયા પર આબેહૂબ પોલીસ ગણવેશવાળા ફોટા મૂકી, પોતાને એટીએસના ડીવાયએસપી તરીકે ઓળખાવી નિર્દોષ લોકો સાથે છેતરપિંડી આચરતા એક હાઈટેક નકલી અધિકારીને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ગેરકાયદે ઉપયોગ કરીને બનાવટી ફોટા અને સરકારી આઇકાર્ડ જેવા નકલી દસ્તાવેજો બનાવી તેને સોશિયલ મીડિયા પર શેર કરી લોકો સાથે ઠગાઈ કરતો હતો.
પોલીસના સકંજામાં આવેલા આ આરોપીનું નામ સોહિલખાન બિસ્મિલ્લાખાન પઠાણ (ઉ.૩૧) છે, જે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગઢ ગામનો રહેવાસી છે. ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેન્જ ટેકનિકલ ટીટીમે વોચ ગોઠવીને તેને સાયલા-સુદામડા ચોકડી પાસે, પુલ નીચેથી ઝડપી પાડ્યો હતો. આરોપી સોહિલ ખાન પોતાને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ તેમજ ATS ના Dy.SP તરીકે ઓળખાવી નિર્દોષ લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. આરોપી ઉચ્ચ સરકારી પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમ જેવા ગંભીર ગુના આચરીને સામાન્ય નાગરિકોને પોતાની જાળમાં ફસાવીને આર્થિક લાભ મેળવતો હતો. તેના મોબાઇલમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવેલા પોલીસ યુનિફોર્મવાળા નકલી ફોટા મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી ગુજરાત પોલીસનું બનાવટી આઈકાર્ડ, ડ્યુટી પાસ અને ટ્રાન્સફર ઓર્ડર સહિતના અનેક બોગસ સરકારી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. તેની પાસેથી મળેલું નકલી આઈકાર્ડ વર્ષ ૨૦૨૩ માં ઇસ્યુ કરાયેલું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે એક બનાવટી ટ્રાન્સફર ઓર્ડરમાં તેની બદલી દાહોદ લીમખેડાથી કચ્છ ખાતે થઈ હોવાનું દર્શાવ્યું હતું. એટલું જ નહીં, બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટેનું એક નકલી NOC સર્ટિફિકેટ પણ મળ્યું છે, જેમાં ૨૦ મે, ૨૦૨૬ ની ભવિષ્યની તારીખ દર્શાવવામાં આવી હતી.
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે કોઈ કામધંધો કરતો ન હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ અધિકારી હોવાનો ખોટો દાવો કરી લોકોનો વિશ્વાસ જીતતો હતો. જો કોઈ વ્યક્તિને પોલીસ સંબંધિત કામ હોય તો તે Dy.SP તરીકે મદદ કરવાનો ડોળ કરી રૂપિયા પડાવતો હતો. પકડાયેલા આ નકલી અધિકારી વિરૂદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

