Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વડોદરા મધ્યસ્થ જેલમાં બેરેકના દરવાજા ઉપર સંતાડેલો મોબાઈલ ઝડપાયો

વડોદરા મધ્યસ્થ જેલમાં બેરેકના દરવાજા ઉપર સંતાડેલો મોબાઈલ ઝડપાયો

ડોદરા: વડોદરા મધ્યસ્થ જેલમાં સ્થાનિક ઝાડતી દરમિયાન બેરેકના દરવાજા ઉપર છુપાવી રાખેલો મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ચકચાર મચી છે. સર્કલ વિભાગના યાર્ડ નંબર 12માં કરવામાં આવેલી તપાસ દરમિયાન મોબાઈલ મળી આવ્યો હતો. ત્યારબાદ CCTV ફૂટેજની તપાસ કરતાં બે કાચા આરોપીઓ એકબીજાની મદદથી મોબાઈલ સંતાડતા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા મધ્યસ્થ જેલના જેલર બનસિંગભાઈ બી. રાઠવાની ફરિયાદ મુજબ, 21 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 9:55થી 11:10 વાગ્યા દરમિયાન સિનિયર જેલર એમ.એન. રાઠવાની સૂચનાથી સ્થાનિક ઝાડતી હાથ ધરવામાં આવી હતી. ઝાડતી સ્ક્વોડ અને ફરજ પરના અન્ય કર્મચારીઓ સાથે સર્કલ વિભાગના યાર્ડ નંબર 12માં તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બેરેક નંબર 0101ના દરવાજાના બહારના ભાગે લાકડાની સીડીની મદદથી ઉપર ચડીને ઇલેક્ટ્રિકલ સ્વિચ બોક્સની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન બોક્સ ઉપર છુપાવી રાખેલો એક મોબાઈલ ફોન બેટરી સહિત મળી આવ્યો હતો. જોકે, મોબાઈલમાં સીમકાર્ડ નહોતું.

મોબાઈલ અંગે વધુ તપાસ હાથ ધરતાં યાર્ડ નંબર 12ની બેરેક નંબર 0906ના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં કાચા આરોપી શિવમ મોહનસિંગ ભગવાનસિંગ રાજપૂત અને મનજીતસિંગ સુખદેવસિંગ ધીલોન એકબીજાની મદદથી મોબાઈલ બેરેકના દરવાજા ઉપર સંતાડતા હોવાનું દેખાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

જેલરે ફરિયાદમાં જણાવ્યું છે કે જેલની અંદર પ્રતિબંધિત મોબાઈલ ફોન મળી આવવો પોલીસ કમિશનરના જાહેરનામા તેમજ જેલ વિભાગના નિયમોનો ભંગ છે. મોબાઈલનો અન્ય કેદીઓએ ઉપયોગ કર્યો હતો કે કેમ, તેના મારફતે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી હતી કે કેમ અને મોબાઈલ જેલની અંદર કેવી રીતે પહોંચ્યો તે સહિતના મુદ્દે તપાસ જરૂરી છે.

આ ઉપરાંત મોબાઈલ જેલમાં પહોંચાડવામાં કોઈ જેલ કર્મચારી અથવા અન્ય વ્યક્તિની સંડોવણી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. રાવપુરા પોલીસે બંને કાચા આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી મોબાઈલ ફોન કબજે લીધો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay