Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વૈશ્વિક સોનામાં કડાકો, 2026માં પ્રથમવાર ઘટીને 3,980 ડોલર

વૈશ્વિક સોનામાં કડાકો, 2026માં પ્રથમવાર ઘટીને 3,980 ડોલર

નવગુજરાત સમય, અમદાવાદ

ડોલર ઇન્ડેક્સ 101.77ની એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા સોના અને ચાંદીના પગતળેની જમીન સરકી ગઈ હતી. સોના અને ચાંદીમાં અનુક્રમે 3.5 અને 6 ટકાનો કડાકો બોલાયો હતો. વૈશ્વિક સોનું 2026માં પ્રથમવાર 4,000 ડોલરની નીચે સરકી 3,980 ડોલરના સ્તરે ગબડ્યાં બાદ 4,015 ડોલર મૂકાતું હતું, જે આગલા દિવસની સામે 95 ડોલર તૂટ્યું હતું.

જ્યારે ચાંદી પણ પ્રથમવાર 60 ડોલરની નીચે સરકી 58.17 ડોલર થઈ 58.90 ટ્રેડ થતી હતી, જેમાં 2.60 ડોલરનો કડાકો જોવાયો હતો. વૈશ્વિક ગાબડાંની અસરે સ્થાનિકમાં વાયદામાં મોડી સાંજે સોનું ~4,300 અને ચાંદી ~7,700 તૂટ્યાં હતા. અમદાવાદ ખાતે સોનું ~2,000 ઘટી ~1,47,500 અને ચાંદી ~5,000 ઘટી ~2.30 લાખ રહ્યા હતા. ચાંદી સ્થાનિકમાં ત્રણ મહિનાની નીચલી સપાટીએ ગબડી હતી.

વૈશ્વિક સોનાના ભાવ નવેમ્બર 2025 પછીના સૌથી નીચલા સ્તરે ગબડ્યા હતા. આને કારણે 2026માં સોનામાં 8 ટકા નેગેટિવ રિટર્ન જોવાયું હતું, જે ફેબ્રુઆરીમાં એક તબક્કે વાર્ષિક ધોરણે 60 ટકાથી વધુ હતું. હાલ વાર્ષિક ધોરણે રિટર્ન ઘટીને 19 ટકા થઈ ગયું છે. સોનામાં છેલ્લા એક મહિનામાં 10 ટકાનું ગાબડું પડ્યું હતું. જ્યારે ચાંદીમાં ફેબ્રુઆરીમાં 120 ટકાનું માતબર વાર્ષિક વળતર ઘટી અડધું થઈ 62 ટકા થઈ ગયું છે. જ્યારે વર્ષના પ્રારંભથી અત્યાર સુધીમાં વળતર નેગેટિવ થઈ 17 ટકાનું જોવાયું છે. જ્યારે છેલ્લા એક મહિનામાં ચાંદીમાં 18 ટકાનો ઘટાડો થયો છે.

ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી સોના અને ચાંદીમાં નકારાત્મક ટ્રેન્ડ શરૂ થયો હતો, જે હવે મંદીમાં પરિવર્તિત થયો હોવાનું જણાવીને એનાલિસ્ટોનું કહેવું હતું કે, સોના અને ચાંદીના આ વર્ષે જોવાયેલી ટોચથી 20 ટકાથી વધુ ગાબડું પડ્યું હોવાથી બુલિયનના ભાવ મંદી તરફી સરકી રહ્યા હોવાનું કહી શકાય. ડોલર ઇન્ડેક્સ મજબૂત રહેશે તો સોના અને ચાંદીમાં સતત દબાણ જળવાશે. વધુમાં ફેડરલ રિઝર્વે વ્યાજદર 2026માં જાળવી રાખવામાં આવશે એવા સંકેતો આપતા તે પણ નકારાત્મક કારણ રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay