Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિજાપુરના મણિપુરા રોડ પર યુવકની નિર્મમ હત્યા

વિજાપુરના મણિપુરા રોડ પર યુવકની નિર્મમ હત્યા

નવગુજરાત સમય > વિજાપુર, મહેસાણા

વિજાપુર-વિસનગર રોડ પરથી મણિપુરા જવાના રોડ પર શુક્રવારે રાત્રે કથિત આડા સંબંધોની આશંકા રાખીને ત્રણ શખ્સોએ યુવકની તીક્ષ્‍ણ હથિયારથી નિર્મમ હત્યા કરી દેતાં પંથકમાં અરેરાટી પ્રસરી છે. યુવક સાથે આવેલા તેમના શેઠને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

વિજાપુર રેલ્વે ફાટક પાસે છાપરામાં રહેતા કાનાભાઈ રામાભાઈ સલાટનો પુત્ર અમિત (ઉં.વ.

૨૨) રત્નદિપ સોસાયટીમાં રહેતા નિકુલ ઉર્ફે ગબ્બર મહેશભાઈ સુથારના ત્યાં ફર્નિચરનું કામ કરતો હતો. શુક્રવારે રાત્રે અમિત અને તેના શેઠ નિકુલ બંને કામ પતાવીને એક્ટિવા પર વિજાપુર-વિસનગર રોડ પરથી મણિપુરા રોડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે બાઈક લઈને આવેલા પાણીની ટાંકી બગીચા પાસે રહેતો ચેતન, તેનો ભાઈ રાહુલ અને સિદ્ધરાજ નામનો અન્ય એક શખ્સે તેમનું એક્ટિવા રોક્યું હતું. નીચે ઉતરેલા ત્રણેય પૈકી સિદ્ધરાજે એક્ટિવાની ચાવી કાઢી લીધી હતી, ચેતને તેની પત્ની સાથે અને સિદ્ધરાજે તેની બહેન સાથે આડા સંબંધનો અમિત સામે આક્ષેપ કરીને ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. તેમના હાથમાં ઘાતક હથિયારો જોઈને અમિત ગભરાઈ ગયો હતો અને એક્ટિવા પરથી ઉતરીને મણિપુરા ગામ તરફ દોડ્યો હતો. જેથી ચેતન છરો અને રાહુલ લોખંડની પાઈપ સાથે તેની પાછળ ભાગ્યા હતા. થોડીવાર પછી બંને પરત આવ્યા અને ત્યાં ઊભેલા સિદ્ધરાજને પેલાને તો પતાવી દીધેલ છે અને આનેય પતાવી દેવાનો છે કહીં ત્રણેય જણાએ નિકુલ સુથાર પર પણ હિંસક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં એક્ટિવાની તોડફોડ કરીને ત્રણેય જણા બાઈક લઈને નાસી ગયા હતા.

મણિપુરા રોડ પરથી લોહીલુહાણ હાલતમાં અમિતની લાશ મળી આવી હતી. તેને છાતીના ભાગે તીક્ષ્‍ણ હથિયારના ઊંડા ઘા મારવામાં આવેલા હતા. તો ઈજાગ્રસ્ત નિકુલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. એફએલએલ, એલસીબી, વિજાપુર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતકના પિતા કાનાભાઈ સલાટની ફરિયાદ લઈ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ચેતન, રાહુલ અને સિદ્ધરાજ સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને ત્રણેયની અટક કરીને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, અમિતના લગ્ન થોડા સમય પહેલાં જ થયા હતા અને તેની પત્ની હાલ ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે.

વિસનગરમાં છ દિવસ પહેલાં યુવકે ફાંસો ખાધો હોવાની ઘટનામાં હત્યાનો ખુલાસો

મહેસાણા : વિસનગરમાં પ્રથમ દ્રષ્ટિએ આત્મહત્યા જણાતો મામલો પેનલ ડોક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યામાં પલટાયો છે. એક ૨૫ વર્ષીય યુવકની તેના જ બેડરૂમમાં ગળું દબાવીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતાં પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. વિસનગરના નાયરા પેટ્રોલ પંપની સામે આવેલી 'મા રેસીડેન્સી'ના મકાન નં.૭માં રહેતા હર્ષદભાઈ લલ્લુભાઈ પટેલના ૨૫ વર્ષીય પુત્ર પ્રિન્સ પટેલ ગત ૧૪ જૂને પોતાના જ ઘરના બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં પ્રિન્સે ગળે ફાંસો ખાઈ લીધો હોવાની હોસ્પિટલ વર્ધી પોલીસને મળી હતી, જેના આધારે વિસનગર શહેર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં FSLના અધિકારીઓની હાજરીમાં ઘટનાસ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જો કે, ૧૯ જૂને રોજ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા પ્રિન્સનો પી.એમ. રિપોર્ટ જાહેર કરવામાં આવતાં સમગ્ર મામલાએ નવો વળાંક લીધો છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પ્રિન્સનું મોત ગળે ટૂંપો આપવાના કારણે શ્વાસ રૂંધાવાથી થયું છે. આ રિપોર્ટના આધારે એ સ્પષ્ટ થયું છે કે, ૧૪ જૂને વહેલી સવારે ૪:૩૦થી ૧૧:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર પ્રિન્સનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. આ ચોંકાવનારા ખુલાસા બાદ, વિસનગર શહેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ ઇન્ચાર્જ રાજેન્દ્ર પાટીલે ફરિયાદી બનીને અજાણ્યા હત્યારા સામે હત્યાની ફરિયાદ નોંધી છે. પીઆઈ કે.બી.પટેલે હાલમાં હત્યા પાછળના અગમ્ય કારણો અને હત્યારા સુધી પહોંચવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ કૉલ ડિટેઇલ્સ સહિતની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay