નવગુજરાત સમય, હિંમતનગર
સાબરકાંઠા એસઓજીએ વિજયનગર તાલુકાના સારોલી ગામેથી ગાંજાના કુલ ૧૦ છોડ સાથે એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ૭.૭૯ લાખની કિંમતનો ૧૫.૫૮૦ કિલો ગાંજાના છોડને જપ્ત કર્યા હતા.
આ અંગે એસઓજી સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, એસઓજી પીઆઇ એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.યુ. ચૌધરીની રાહબરી હેઠળ એસઓજી સ્ટાફ તથા નાર્કોટિક્સ સેલ તપાસમાં હતા.
તે દરમિયાન એએસઆઇ અનિરુદ્ધસિંહને બાતમી મળી હતી કે, વિજયનગર તાલુકાના સારોલી ગામે ઉનાજી દિનેશભાઇ ખરાડીનું રહેણાંક મકાન આવેલું છે. એ મકાનની આગળ તેમના મકાઇના વાવેતરવાળા ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું છે. જેના આધારે એસઓજીની ટીમે સ્થળ પર તપાસ કરતાં ખેતરમાંથી વાવેતર કરેલા ગાંજાના ૧૦ છોડ મળી આવ્યા હતા. પોલીસે વજન કરાવતાં રૂ. ૭,૭૯,૦૦૦ની કિંમતનો ૧૫.૫૮૦ કિલો ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. પોલીસે ઉનાજી દિનેશભાઇ ખરાડી (રહે. જાંબુઆ ફળી, સારોલી, તા.વિજયનગર)ની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ વિજયનગર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

