Trishul News Gujarati
Ambaji Police Attack: યાત્રાધામ અંબાજીના વોર્ડ નંબર 8માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોળા દિવસે (Ambaji Police Attack) નશામાં ધુત લુખ્ખા તત્વોએ માત્ર એક સામાન્ય નાગરિકને જ નિશાન બનાવ્યો ન હતો, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને તેમની PCR વાન પર પણ લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો.
આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે.
અકસ્માત સર્જી નાગરિક પાસે પૈસા પડાવવાનો પ્રયાસ
ભોગ બનનાર સ્થાનિક રહીશ બદારામ પંચાલના જણાવ્યા અનુસાર, તેઓ અને તેમના પત્ની હોસ્પિટલેથી પરત ફરી રહ્યા હતા. સાંજના આશરે 6:30 થી 7:00 વાગ્યાના સુમારે જ્યારે તેઓ આઠ નંબર વિસ્તારના એક વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક બાઈક પર સવાર ત્રણ શખસે તેમની બાઈક સાથે ટક્કર મારી હતી.
ટક્કર વાગ્યા બાદ ત્રણેય બાઈકસવાર આગળ જઈને નીચે પડી ગયા હતા અને નશાની હાલતમાં બદારામ પાસે આવી, તેમને પકડીને બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવા લાગ્યા હતા. બદારામ જેમ-તેમ કરીને તેમના ચુંગાલમાંથી છૂટીને જીવ બચાવવા નજીકના એક ઘરમાં ઘૂસી ગયા હતા.
ખાખીનો ખોફ ન હોય તેમ પોલીસ પર પણ હુમલો કર્યો
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની PCR વાન ઘટનાસ્થળે દોડી આવી હતી. જો કે, કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ, નશામાં ધુત ત્રણેય અસામાજિક તત્વોએ પોલીસને જોતા જ હાથમાં રહેલી લાકડીઓ અને મોટા પથ્થરો વડે પોલીસ વાહન (PCR) પર હુમલો શરૂ કરી દીધો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં આ તત્વો પોલીસકર્મીઓને પકડીને તેમની પર હુમલો કરતા, બેફામ ગાળો ભાંડીને ખુલ્લો પડકાર ફેંકતા સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયો ઉતારનાર વ્યક્તિ પણ ડરતા ડરતા વીડિયો બનાવીને આ લોકોને કડક સજા કરવાની માંગ કરી રહ્યો છે.
બે આરોપીની અટકાયત, એક હજુ પણ ફરાર
પોલીસ પર હુમલાની આ ગંભીર ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. હુમલો કરનારા તત્વોને પકડવા માટે પોલીસે તાત્કાલિક અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે હુમલો કરનારા 3 પૈકી 2 આરોપીની અટકાયત કરી લીધી છે અને ત્રીજા ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સામાન્ય જનતાની સુરક્ષા સામે ઊઠ્યા સવાલો
અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ પર હુમલાની આ કોઈ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ આવા કિસ્સાઓ બની ચૂક્યા છે જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો ધોળા દિવસે ખાખી વર્દી અને પોલીસના વાહનો જ સુરક્ષિત ન હોય, તો આમ જનતા અને સામાન્ય નાગરિકોની સુરક્ષા કોના ભરોસે? સ્થાનિકોએ આવા અસામાજિક તત્વો સામે દાખલારૂપ અને કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માગ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube
The post અંબાજીમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: પોલીસ PCR વાન પર હુમલાનો વીડિયો વાયરલ appeared first on Trishul News Gujarati.

