Trishul News Gujarati
Ahmedabad Fake Liquor Factory:અમદાવાદ શહેરના ઠક્કરનગર વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી એક રેડ દરમિયાન દારૂની નકલી મિની ફેક્ટરી ઝડપાઈ છે. ઝોન-5 LCB અને કૃષ્ણનગર પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે હરિઓમ સાયકલની (Ahmedabad Fake Liquor Factory)સામે આવેલી ગલીમાં એક મકાનના બીજા માળે ભાડે જગ્યા રાખીને ગેરકાયદેસર રીતે દારૂ બનાવવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે મકાન નંબર 141ના બીજા માળે દરોડો પાડીને દારૂ બનાવી રહેલા હેમલ ઉર્ફે હેમુ વાઘેલા નામના શખ્સને ઝડપી પાડ્યો છે.
સસ્તી બ્રાન્ડનો દારૂ મોંઘી બ્રાન્ડના નામે વેચાતો
પોલીસ તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ફેક્ટરીમાં સસ્તી બ્રાન્ડનો દારૂ લાવીને તેને મોંઘી અને પ્રખ્યાત બ્રાન્ડની બોટલોમાં ભરવામાં આવતો હતો. આરોપીઓ ટીચર્સ (Teacher's), બ્લેક એન્ડ વ્હાઇટ (Black & White), બ્લેક ડોગ (Black Dog), બ્લેન્ડર્સ પ્રાઇડ (Blender's Pride) અને સિગ્નેચર (Signature) જેવી નામાંકિત બ્રાન્ડ્સના નામના નકલી સ્ટીકરો અને ઢાંકણા લગાવીને ગ્રાહકોને વેચતા હતા. આ નકલી ધંધા દ્વારા બુટલેગરો એક જ બોટલ પર 500 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીનો ભારે નફો કમાતા હતા. રેડ દરમિયાન પોલીસે દારૂની બોટલો, અલગ-અલગ બ્રાન્ડના સ્ટીકરો અને ઢાંકણા સહિત કુલ રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વધુ નફાની લાલચમાં શરૂ કરી હતી મિની ફેક્ટરી:
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નકલી દારૂની ફેક્ટરીનો માસ્ટરમાઇન્ડ ભરત ઉર્ફે ભરતો સોલંકી અને તેનો પિતરાઈ ભાઈ વિજય હીરાભાઈ સોલંકી છે. મુખ્ય આરોપી ભરત વિરુદ્ધ અગાઉ મારામારી અને ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ નોંધાયેલા છે. દારૂના ધંધામાં ઊંચું વળતર મેળવવાની લાલચે તેણે આ મકાન ભાડે રાખીને છેલ્લા 2 થી 3 મહિના પહેલા આ મિની ફેક્ટરી શરૂ કરી હતી. પકડાયેલા આરોપી હેમલ વાઘેલાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે આ ફેક્ટરીમાં દારૂ બોટલમાં ભરીને તૈયાર કરવાનું કામ કરતો હતો, જેના બદલામાં તેને દરરોજના 450 રૂપિયા મહેનતાણું મળતું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

